નાનકા પર પોલિયો
રોગનો પ્રહાર
(એક ડોક્ટરની દીકરીનો સૌથી નાનો દીકરો એકાએક પોલિયો રોગનો
ભોગ બને છે. તે સ્ત્રીના પ્રચંડ પુરૂષાર્થની ગાથા. આ વાર્તા સાવ સત્ય ઘટનાઓ પર આધારિત એક સ્ત્રીનો
જીવન-સંઘર્ષ છે જેમાં માનવ સંબંધોનાં જીવંત નાટક ની સાથે સાથે વણાએલ છે રાજકારણ, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, દાક્તરી, સાહિત્ય અને
દેશ-વિદેશનો પ્રવાસ. વાચકને તે જ્ઞાન, ગમ્મત અને પ્રેરણા
આપશે.........)
દેશના સીમાડા ઓ પર તંગદિલી વાળું વાતાવરણ હતું. ૧૯૬૫ની શરૂઆત હતી. સપ્ટેમ્બરમાં થનારી લડાઈ નું કદાચ તે સૂચક
હતું. ભારતની ગુપ્તચર સંસ્થાને હજુ પાકિસ્તાને રચેલા “ઓપરેશન જીબ્રાલ્ટર”ની ગંધ
સુધ્ધાં આવી ન હોતી. તે ઓપરેશનની યોજના પ્રમાણે જમ્મુ-કાશ્મીરને ભારત પાસેથી હડપ
કરવાના પ્રયોજનથી પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર પર છમકલાઓ કરવાની શરૂઆત કરી કાઢી હતી. કચ્છની
સીમા પર પણ સેનાઓ સામસામે આવી ગઈ હતી. ૧૯૬૨માં ચીન સામે પરાજીત થવાથી માનભંગ થયેલા
ભારતીય સૈન્ય અને દેશની મનોદશાનો લાભ લઈ લેવાનું સ્વપ્ન પાકિસ્તાનનો અય્યુબખાન જોઈ
રહ્યો હતો. આપણો દેશ વિકટ પરિસ્થિતિમાં હતો. ચીન સામેની નાલેશીભરી હાર અને ૧૯૬૪માં
થયેલ જવાહરલાલ નહેરૂના મૃત્યુના આંચકાઓમાંથી દેશ ધીરે ધીરે બહાર નીકળી રહ્યો હતો.
વામન-રૂપ લાલબહાદુર શાસ્ત્રી તે સમયના વડાપ્રધાન હતા.
આ તરફ, મુંબઈમાં ઊર્મિલા બહેનને ત્યાં એક કટોકટી સર્જાઈ રહી
હતી. તેમનો નાનકો ત્યારે બે-પોણાબે વર્ષનો હશે. બાળકૃષ્ણ જેવો તે સહુનો વહાલો હતો.
ઊર્મિલા બહેનના બાપા ડોક્ટર અને દાદા વેટરનરી સર્જન ઘોડા-ડોક્ટર.
તેથી વૈદકીય જ્ઞાન તો તેમને ગળથૂથીમાંજ મળેલ.
જૂનો કાળ, અંગ્રેજ રાજ ના જમાનામાં, નાના ગામડામાં અને વળી છોકરીની જાત
તેથી વધુ કેટલું ભણાય? પણ બાપા ભણાવવાના આગ્રહી, તેથી, તે જમાનામાં ઊર્મિલા બહેન સાતમા-આઠમા
ધોરણ સુધી ભણેલ. વાંચવા લખવાનો નાનપણથીજ બહુ શોખ. સાથે સાથે નર્સની જેમ પાટા-પીંડી
કરવાની પણ હોંશ. કયા રોગમાં શું થાય અને મટાડવા કઈ દવા અપાય તે જાણવાની અદમ્ય
જિજ્ઞાસા. જોકે બાપા અરોગ્ય બાબતે જરા વધુ પડતા જ કડક હતા તેથી દવાખાનામાં ઘરના
કોઈ પણ સભ્યને કારણ વગર જવાની મનાઈ હતી અને જો જવું જ પડે તો પાછા આવીને
પોટાશીયમ-પરમેંગેનેટ વાળા જાંબલી પાણીમાં અથવા સાબુ થી હાથ-પગ ધોવાના જ. અને જો
કોઈ કારણ વગર દવાખાને જાય તો એની ખેર ન
રહે. આમ તો દવાખાનું એટલે બંગલોનો જ એક ભાગ પણ ત્યાં જવાય નહીં. પણ નાનકડી
ઊર્મિલાએ બાપાના મદદનીશો, કમ્પાઉન્ડરો સાથે મૈત્રી કરીને, જ્યારે બાપા બહાર વીઝીટ
પર ગયા હોય ત્યારે તક નો ચોરી-ચોરી લાભ લઈ પાટાપિંડી તો ઠીક, અરે ઇન્જેકશન આપતા
સુધ્ધાં શિખી લીધું હતું.
લગ્ન પછી, પતિને હોંશ એટલે તેમની મદદથી કામચલાઉ અંગ્રેજી પણ
શિખ્યા હતા. પતિ મધુસૂદન ભાઈ સ્વભાવે રમૂજી અને બન્ને જણા, હરવાફરવાના શોખીન, સારા
કપડા પહેરવા ગમે. પતિને સારૂંસારૂં ખાવાનું ભાવે તો પત્નીને નવી નવી વાનગીઓ
બનાવવાનો શોખ. બન્નેની જોડીનો મિત્રોમાં વટ હતો. સવારે સોસાઈટીના ચોગાનમાં રોજ બેડમીન્ટન,
ત્રણ-ચાર મહિને મિત્ર મંડળ સાથે એકાદ પીકનીક, વરસમાં એકાદ હીલ સ્ટેશન અથવા તિર્થસ્થાન અને ઊનાળામાં સૌરાષ્ટ્ર-ગુજરાત સગાસંબંધીને
મળવાનો કાર્યક્રમ તો હોય જ. મધ્યમવર્ગી નોકરીયાત તેના જીવનમાં શું બીજું માગે?
તેમને ચાર બાળકો. ઊર્મિલાનો ઊ, મોટાનો મો અને દીકરાનો દી.
આમ મોટો પુત્ર એટલે ઊમોદી, પછી એક પુત્રી, વચેટ પુત્ર અને ત્યાર બાદ ઘણા વર્ષે
જન્મેલ સૌથી નાનો પુત્ર. સાચી વાત તો કોઈને ખબર નથી. પણ એવું કહેવાય છે કે છેલ્લો
પુત્ર પ્લાનમાં નહોતો પણ આવી ગયો. તેની ડીલીવરી મુંબઈના ઘાટકોપર પરાની એક સારી પ્રાઇવેટ
હોસ્પિટલમાં થઈ. તે સમયે ઘર સંભાળવા વઢવાણ ગામથી સાસુજી આવી ગયા હતા. સુવાવડી
માટેનું વસાણું, ઘરનું ભોજન, ચા-નાસ્તો, વિગેરે પહોંચવાડવાના કામની જવાબદારી બાર
વર્ષના ઊમોદીની હતી. ચોથા બાળકના આગમન પહેલા ઘરમાં કદાચિત્ જે પણ કાંઈ અચંબો,
હર્ષ, શોક, કે ખેંચતાણ હશે તેનો સહેજ પણ અંદાજ મા-બાપે બાળકોને આવવા દીધો ન હતો.
નાનકા ના આકસ્મિક જન્મની વાત તો ઊમોદીને બહુ મોટા થયા પછીથી કાને પડેલી. એ જે હોય
તે, પરંતુ પુત્ર જન્મ પછી ની વાત જ કાંઈ ઓર હતી. બાળક એટલું સુંદર, રુષ્ટ પુષ્ટ
અને ભરાવદાર કાળા ભમ્મર વાંકડીયા વાળ વાળું હતું કે તેને કોઈની પણ નજર લાગી જાય.
મા-બાપ, ભાઈ-બહેનતો ઠીક પણ જે જોવે તેના મનમાં વસી જાય તેવો દેખાતો. વળી, દીકરી
નહીં પણ દીકરો આવ્યો હતો એટલે સાસુમા પણ ખુશ હતા. દિવસો આનંદભેર વીતી રહ્યા હતા.
બાળક ઝપાટાભેર મોટું થઈ રહ્યું હતું.
બાળકૃષ્ણને બધા રમાડે. સર્વોદય સોસાઈટીના ‘બી’ બ્લોક માંથી સામેનો
‘એ’ બ્લોક દેખાય. બારીના સળીયા પકડી ઉપર ચડીને સામેના બ્લોકમાં રહેતા વિણા બહેનને
હાથ હલાવીને બોલાવવા, તે નાનકાની દિનચર્યાનો રોજનો ક્રમ. પણ આજે કોણ જાણે શું થયું
તે પ્રયત્ન કરે, હાથ લંબાવીને સળીયા પકડીને ઊંચો થવા જાય, પણ જરાય ઊંચો જ ન થઈ
શકે. જાણે કે શરીરનું વજન ઊચકી ન શકતો હોય તેવું જોનારને લાગે. નાનો, શરીરે
ભરાવદાર અને ભારે ખરો, પરંતુ બારી પર તો તે રોજ ચડતો તો આજે કેમ નહીં? ઊર્મિલા
બહેને શાક સમારતા સમારતા પોતાના વહાલસોયા ટપૂકડા ઉપર નજર કરી. અરે આ શું? કદાચ કંઈ
પગે વાગ્યું કર્યું હશે. તેઓ દોડ્યા, ટપૂકડાને તપાસ્યો. પગ જોયો પણ ઈજાનું કોઈ
ચિન્હ નહીં, દબાવી જોયો પણ પીડાનો કોઈ ભાવ નહીં. ટેકો આપી નાનાને ઊભો કર્યો તોય તે
ઊભો રહી શક્યો નહીં. ઊર્મિલા બહેનનું વૈદકીય મગજ તરત કામે લાગ્યું, અરે આને તો
પોલીયો થયો હોય તેવા લક્ષણ છે. બાળ-લકવા, પોલીયો, એક એવો ખરાબ રોગ છે જેમાં
વ્યક્તિનું આખું જીવન બરબાદ થઈ જાય છે. ઊર્મિલા બહેન એ જ ક્ષણે, પહેરેલે કપડે,
નાનાને કેડે લઈ દોડાદોડ ડોક્ટર પાસે જવા નીકળી ગયા.
આમતો ડોક્ટર ગાલા તેમના ‘ફેમીલી-ડોક્ટર’, તેમનું ઘર પણ
ઊર્મિલા બહેનના ફ્લેટની નીચે જ, પહેલે માળે જ. પણ તેમનું દવાખાનું સહેજ દૂર, જતા
દસ-પંદર મિનિટ થાય, વળી કદાચ જો તેઓ વિઝિટ માટે નીકળી ગયા હોય તો ન પણ મળે. પણ,
સામેના ’એ’ બ્લોકના નીચલા માળે ડોક્ટર બગડીયા રહે. તેમની પત્ની સરોજ. તે ઊર્મિલા
બહેનની સખી તો ખરી અને બન્નેના પતિ દેવો વચ્ચે પણ પડોસી-સહજ મૈત્રી. તેમણે પોતાના
ફ્લેટના એક ઓરડાને દવાખાનું બનાવ્યું હતું. પોલિયોના પ્રથમ લક્ષણ દેખાયા પછી
બે-અઢી મિનિટમાંજ કોઈ દવાખાને પહોંચી ગયું હોય, તેનો આ વિશ્વ-વિક્રમ હશે.
ઊર્મિલા બહેનની વ્યાકુળતા જોઈ ડોક્ટરે તરત જ નાનાને
તપાસ્યો. લાગતી વળગતી
પૂછપરછ કરી. પણ તેમના તરફથી કોઈ સ્પષ્ટ નિદાન મળ્યું નહીં ત્યારે, ઊર્મિલા બહેને
સૂચવ્યું, “આ તો મને પોલિયો જ લાગે છે. જુઓને, પોલિયોમાં જ એવું બને કે તે એકાએક જ
દેખાય, કોઈ બીજા ચિન્હો તાવ, ઊધરસ, દુખાવો એવું કાંઈ ન થાય. બસ સ્નાયુઓ ઢીલા પડી
જાય.” ડોક્ટરે કહ્યું, “ના, ના, તમે એટલી ચિંતા ના કરો, પોલિયો નહીં હોય. તે તો
હજારોમાં કદાચ કોઈક એકાદને થાય. થોડો આરામ કરવા દો, કાલ સુધીમાં સારૂં થઈ જશે.
આજકાલ રાત્રે થંડક થઈ જાય છે, પગે ઓઢ્યુ નહીં હોય તેથી થંડી લાગી ગઈ હશે.”
ઊર્મિલા બહેન ઘેર પાછા તો ફર્યા, જેમ તેમ કરીને રાતનું ભોજન
રાંધ્યુ, ચારે બાળકોને જમાડ્યા અને પતિ દેવ ઓફિસેથી ક્યારે ઘેર આવે ને ક્યારે વાત
કરું તે વ્યાકુળતા અને બેચેનીમાં માંડ માંડ સમય કાઢ્યો. પતિ દેવ સાયન્સ ગ્રેજ્યુએટ
અને અડોસી-પડોસી કોઈને પણ મદદ કરવા હરહંમેશ તત્પર. પણ કોણ જાણે કેમ, પત્નીને
ડોક્ટર અને દાક્તરી માટેની જેટલી ભક્તિ એટલોજ પતિને તે બધા માટે અણગમો. પતિને ન તો
ડોક્ટર ગમે કે ન ગમે દવાઓ, દવાખાને જવાનું તો જરાય ન ગમે. તેનું કારણ શું તે કોઈની સમજમાં આવ્યું નથી. સસરા ડોક્ટર
હતા, તો શું સસરા-જમાઈ વચ્ચે બારમો ચંદ્રમા હશે એટલે? એવું પણ કાંઈ જાણમાં નથી
આવ્યું. ઉલટાનું પોતાના બધા જમાઈઓમાં તે સહુ થી વધુ ભણેલા હોઈ, તેમનું તો ડોક્ટર
સસરા બહુ જ માનપાન કરતા. જે હોય તે પણ જીંદગીભર
પતિ દેવ પોતાના માટે ય પોતાની જાતે કોઈ દિવસ ડોક્ટરને ત્યાં ગયા હોય તેવું
સાંભળવામાં નથી આવ્યું.
તેઓ મુંબઈની જાણીતી કંપનીમાં સારા હોદ્દા પર હતા અને તેમનું
સારું નામ હતું. મિડલ-મેનેજમેન્ટમાં, એટલે પગાર મધ્યમ-સારો પણ કામ ઘણું રહે. તેમની
ઓફિસ ફોર્ટમાં. એટલે ઓફિસથી બોરીબંદર સ્ટેશન સુધી ચાલવાનું પછી ત્યાંથી પરાની લોકલ
ગાડી પકડી ઘાટકોપર સ્ટેશને પહોંચવાનું અને છેવટે સ્ટેશનથી સર્વોદય સોસાઈટી સુધી
ચાલવાનું. આમ કરતા દોઢ કલાક તો થાય જ. બે દાદરા ચડીને, રોજની જેમ, રાતના આઠ વાગે
બારણાની ઘંટડી વગાડી. તેઓ આજ ઉત્સાહમાં હતા. તેમને ખબર હતી કે વાળુ પતાવી, બાળકોને
સુવાડ્યા પછી સામે રહેતા બેંક ઓફ ઈંડીયા વાળા કાન્તિલાલ દેસાઈને ત્યાં બેસવા,
ચા-પાણી માટે જવાનું છે. દેસાઈનાં જ પત્ની વીણા બહેન.
ઊર્મિલા બહેનના ઘરની સામે બીજા માળે બે ફ્લેટ. એકમાં રહે
દેસાઈનું કુટુંબ અને બીજા માં રહે નવનીત-ગુજરાતી ડાયજેસ્ટ વાળા કુન્દનિકા બહેન
કાપડીયા. લગભગ આખો દિવસ બહાર હોય, રાત્રે જ ઘેર આવે ત્યારે તેમના ઘરની બારી અને ગેલેરીનું
બારણું ખુલે. તે એકલા રહે. જો કે તેમના બોયફ્રેન્ડ મકરંદભાઈ દવે કોઈ કોઈ વાર તેમને
મળવા આવે ખરા. પણ બીજી બાજુ વીણા બહેન તો ઘેર જ હોય અને તેમની દીકરી જ્યોતિ પણ
શાળા બાદ ઘેર હોય. તેથી ઊર્મિલા બહેનના નાનકાને કોઈક તો બોલાવવા-રમાડવા વાળું વીણા
બહેનને ત્યાં હાજર જ હોય. નાનકાની નજર પણ તેથી જ વીણા બહેનના ઘર તરફ મંડાયેલી હોય.
રોજની માફક છોકરાઓએ જમી લીધું હતું. તેઓ રોજ થોડો સમય પપ્પા સાથે વિતાવે. મોટો દસમીમા, તેની
બહેન આઠમીમાં અને વચલો ચોથીમાં ભણતા હતા. સ્કુલનું ઘરકામ
કરતી વખતે કાંઈક ન આવડ્યું હોય અને જે મમ્મી પણ સમજાવી શક્યા ન હોય, તેવી
‘ડીફીકલ્ટીઝ’ પૂછી, ઘરકામ પતાવી લગભગ સાડાનવ વાગે બધા બાળકો સૂઈ જાય. બારણું
ખુલ્યું પણ પત્નીનું મોં જોઈને મધુસૂદન ભાઈનો ઉત્સાહ સાવ ઓસરી ગયો. નાનકાના પપ્પા
ઘરમાં પ્રવેશ્યા. રોજ વાતાવરણ આવું શાંત તો નથી હોતું. જોકે નાનો તો નાનપણથી જ
તેના મોટા ભાઈઓ જેવો તોફાની ન હતો પણ તેની મોટી બહેન જેવો બીન-ઉપદ્રવી હતો.
હજુ તો પતિદેવ બૂટ કાઢે છે, હાથમાં પાણીનો પ્યાલો લે છે
તેટલામાં મહા પ્રયત્ને સાચવેલી ધીરજ ખૂંટી જતા બેબાકળી ઊર્મિલા બહેને નાનકાની
પરિસ્થિતિ જણાવી.
નાની અમથી વાતમાં પત્ની જરા વધુ પડતી વ્યાકુળ થઈ ગઈ છે
તેવું તેને લાગ્યું અને કહ્યુ, “બામ ઘસી દઈશું તો કાલ સુધીમાં મટી જશે.” પણ, ઊર્મિલા
બહેનને તે વાક્ય જરાય રુચ્યુ નથી તેવું સમજતા વાર લાગે તેવું ન હતું. તેથી આખરે
તેનું મન રાખવા, થોડુંઘણું વાળુ કરીને, નાનકાને લઈને પતિ-પત્ની નીકળી પડ્યા પોતાના
‘ફેમિલી’ ડોક્ટરની સલાહ લેવા.
ડોક્ટર ગાલાને ઊર્મિલા બહેન માટે માન હતું. તેમના પોતાના
પુત્ર પ્રકાશની આંખ નબળી હતી. પોતે ડોક્ટર હોવા
છતાં તેમનું ધ્યાન તે તરફ સૌ પ્રથમ તો ઊર્મિલા બહેને જ દોર્યું હતું ને? અને તેની
આંખ વધુ બગડે તે પહેલા ચશ્મા લેવડાવી દીધેલ. અને ઊર્મિલા બહેનની દીકરીને જ્યારે
ડિફ્થેરિયા રોગના ચિન્હ દેખાયેલા ત્યારે પણ તેમણે કમાલ કરેલું. તે વખતે પતિદેવ તો
દુર ઉત્તરમાં બરેલી નામના ગામમાં ઓફિસના કામે ગયેલા હતાં. ઘેર ચાર નાના ટબુરીયાઓ,
તેમાં એક તો હજી ધાવતો અને છતાં એકલે હાથે ઊર્મિલા બહેને બધું સંભાળી
લીધેલું. ડિફ્થેરિયા નાના બાળકોને થતો એક અત્યંત
ચેપી રોગ છે અને જો તત્કાલ ઉપચાર ન થાય તો બે-ત્રણ દિવસમાં જીવલેણ નીવડે. આ રોગ
અને તેના જેવા અતિ-ચેપી રોગો માટે આખા મુંબઈમાં એક જ હોસ્પિટલ છે. મહાલક્ષ્મીના
સાને ગુરૂજી માર્ગ પર આવેલી આ હોસ્પિટલમાં રોગ મટે નહીં ત્યાં સુધી રોગીને ફરજીયાત
અળગો રખાય છે જેથી કોઈ બીજાને ચેપ ન લાગે.
ડોક્ટર સાહેબે નાનકાને બરાબર તપાસ્યો, પોલિયોના આમ તો કોઈ
એવા પાક્કા-લાક્ષણિક ચિન્હો નથી દેખાતા છતાં અમૂક અમૂક ચિન્હો કોઈક કોઈક વખતે
પોલિયોની અસર થતા પહેલા દસેક દિવસોમાં દેખાય એવું બને ખરૂં. તેથી ડોક્ટરે મા બાપને
કેટલાય સવાલો પૂછ્યા. તાવ હતો? ગળુ દુખતુ હતુ? માથુ દુખતું હતું? કોઈ રીતે થાકી
ગયો હોય એવું કાંઈ બન્યું હતું કે? ગળું, પીઠ, હાથ કે પગ અક્કડ જેવા થયા હતા?
વગેરે. ગાલા સાહેબને પૂરી ખાતરી હતી કે એવું કાંઈ પણ જો થયું હશે તો ઊર્મિલા
બહેનની નજરમાં જરૂર આવ્યું હશે. પરંતુ આવા કોઈ ચિન્હો દેખાયા ન હતા છતાં દરદી
લકવાગ્રસ્ત જણાતો હતો. પોલિયો પાંચ વર્ષ સુધીના બાળકોને થઈ શકે. એના વાયરસ મોટાઓને
અસર નથી કરી શકતા. તેથી નાનકાને પોલિયો થઈ શકે તો ખરો પણ ડોક્ટર મુંઝાયા. આ રોગ તો
અસ્વચ્છ વસ્તીમાં હોય. કોઈને પોલિયો થયો હોય તેવા બાળકના મળ મિશ્રિત કાંઈક ખાવા-પીવામાં
આવે તો જ આવો રોગ થાય. પણ ઊર્મિલા બેનના ઘરની સ્વચ્છતા તો જગજાહેર હતી. લોકો તેમની
ચોખ્ખાઈના તો દાખલા આપતા. તેથી કાંઈ સ્પષ્ટતા ન થતાં, છેવટે ગાલા ડોક્ટરે મોટા
ડોક્ટર, સ્પેશિયાલીસ્ટની સલાહ લેવી જોઈએ એવું સુચન કર્યું. ડોક્ટર મર્ચન્ટ તે
સમયના સૌથી મોટા વિશેષજ્ઞ ગણાતા. તેથી તેમની એપોઈન્ટમેન્ટ લેવી તેમ નક્કી થયું.
આવા મોટા ડોક્ટરની એપોઈન્ટમેન્ટ કાંઈ તાત્કાલિક ન મળે. પંદર
દિવસ પછીની તારીખ મળી. પહેલા તો પગ પર જ અસર હતી પણ તારીખ આવી ત્યાં સુધીમાં તો
હવે હાથ પણ કામ નહોતા કરતા. અરે ડોક પણ ટટ્ટાર રહી શકાતી ન હતી. બધા શોક ના
સાગરમાં ડૂબી ગયા હતા. મા-બાપને સાંત્વન આપવું અશક્ય હતું,
ડોક્ટર મર્ચન્ટે બાળકને તપાસ્યો. બધા ટેસ્ટ કરાવ્યા. છેવટે
મોટા ડોક્ટરે પણ તે જ નિદાન કર્યું જે ઊર્મિલા બહેને સૌ પહેલા સમજી લીધું હતું.
પોલિયો. અને તે પણ, સૌથી રૌદ્ર, આખા શરીરનો. મા-બાપના માથા પર આભ તૂટી પડ્યું.
અધૂરામાં પૂરૂ, વળી ડોક્ટરે તે પણ સ્પષ્ટતા કરી દીધી કે આજ લગી પોલિયોની કોઈ દવા
શોધાઈ નથી.
પોલિયોની રસી આમ તો શોધાએલી ૧૯૫૨માં પણ માનવ ઉપયોગ માટે ઘણી
ટેસ્ટો કરવાની હોય. તે કરતા કરતા તો વર્ષો વિતે. અંતે અમેરીકામાં ૧૯૬૩ પછીથી OPV, Oral Polio Vaccine નો ઉપયોગ શરૂ થઈ
શકેલ. ભારતમાં તે ટીપા દ્વારા મોઢામાં અપાતી રસી આવતાં તો બીજા કેટલાય વર્ષો
વિત્યા. બાકી એ બને જ નહીં કે ઊર્મિલા બહેન જેવી જાગૃત વ્યક્તિ પોતાના દીકરાને રસી
ન અપાવે.
આ બાળક એનું જીવન કેમ કાઢશે? જેના હાથ અને પગ ન ચાલતા હોય
તે કેટલો પરવશ હોય! ડોક્ટરનું કહેવું હતું કે હવે તેનું બહુ કાંઈ થાય નહીં પણ જો બરાબર
કસરત અને શેક મળે તો થોડોઘણો ફેર પડે. આવી બીમારી વાળા બાળક માટે એ જ એક એ જ
વિકલ્પ છે કે રોજ કસરત કરાવી, શેક અને માલિશ કરાવી સ્નાયુઓને કડક બનતા અટકાવવા અને
વિકૃત રીતે વળી જતા અટકાવવા માટે ખાસ જાતનાં પ્લાસ્ટરમાં હાથ-પગ રાખી મૂકવાના. આને
માટે વિશેષ તાલીમ પામેલ ફીઝીયોથેરેપીસ્ટ પાસે જ જવું પડે. એ સમયે પોલિયોના દરદીઓને
ડોક્ટરની પધ્ધતિ થી કસરત-શેક-માલિશ કરવા સક્ષમ ફિઝીયોથેરેપીસ્ટ માત્ર એક જ હોસ્પીટલમાં
હતા. મહાલક્ષ્મી પાસે હાજી-અલી સામે. ત્યાં પહોંચતાં બે કલાક થાય. શિવ-ડેપોથી બસ
બદલવી પડે. ‘ફિઝીયો’નો એક કલાક. પાછા વળતા સાંજના ‘રશ-આવર’ની મુંબઈની
ધક્કામુક્કીમાં ઘાટકોપર આવતા પાછા બે કલાક. કૂલ પાંચ કલાક.
ઘરનાં છયે જણાને સંભાળવાના અને નાનકાની સારવાર પણ કરવાની.
મોટો ઊમોદી રામજી આશર વિદ્યાલયમાં, દીકરી સાર્વજનિક હાઈસ્કુલમાં અને વચલો
અંગ્રેજી-માધ્યમ વાળી ફાતિમા હાઈસ્કુલમાં. ત્રણેના સમય જૂદા. સૌને તૈયાર કરવાના,
રસોઈ કરવાની, બાળકોને અને તેમના પપ્પાને જમાડીને, સૌને નાસ્તાનો ડબ્બો આપીને રવાના
કરવાના, નાનકાનો સવારનો શેક-માલિશ કરવાનો. સાંજની રસોઈ બનાવી, વાળુની તૈયારી કરીને
નાનકાનો બધો સરંજામ લઈને ભર બપોરે બસ પકડીને મહાલક્ષ્મી જવા નાનકાને લઈને
નીકળવાનું. સાંજે પાછા આવીને બધાને જમાડીને સુવડાવીને સુવાનું. ઘરના સહુ અને
અડોસી-પડોશી સહુની મદદ ખરી પણ તેઓ પણ કેટલું કરી શકે? જો ઊર્મિલા બહેનના બદલે કોઈ
બીજું હોત તો ચોક્કસ હતાશ થઈ, હાર માનીને બેસી ગયું હોત.
અધૂરા માં પુરૂં, ઓગસ્ટથી પાકિસ્તાન સાથે રીતસરની લડાઈ શરૂ
થઈ ગઈ એટલે ઊર્મિલા બહેનની મુશ્કેલીઓ પાછી હજુ વધી. દેશમાં અનાજની અછત એટલે રેશનની
દુકાને જ્યારે સામાન આવે ત્યારે લેવા જવું જ પડે. ન જઈ શકીએ તો ખલાસ થઈ જાય.
સપ્ટેંબરની બરાબર પહેલી તારીખે ભારતે પાકિસ્તાન ઉપર હવાઈ હુમલાની પણ શરૂઆત કરી. લાલબહાદુર
શાસ્ત્રીએ ‘જય જવાન જય કિસાન’ નું સુત્ર આપ્યુ. એ સમયે ટીવી તો હતા નહીં તેથી
સમાચારનું મુખ્ય સાધન રેડીયો. તે વખતે, તેમાં શૌર્ય-ગીતો આવે, દુશ્મનના હવાઈ હુમલા
વખતે, સાઈરન વાગે ત્યારે શું કરવું તે આવે, રાત્રે બ્લેક-આઉટ કેમ કરવું તેવું બધું
વિશેષ આવતું. મુંબઈની ત્રણે મુખ્ય ભાષાઓ ના શૌર્ય ગીતો બધા બાળકોના જીભે ચડી ગયા
હતાં. મરાઠી ગીત “माणुसकीच्या शत्रू संगे युद्ध आमचे शिरू, जिंकू किंवा
मरू,....” ઘણું સંભળાતું. હિંદીમાં “ऐ नौजवान, वीरताकी है कसौटी
आज, तुम शेर हो दिलेर हो,...।” પણ એટલું જ જાણીતું થઈ ગયું હતું. એ બન્ને
ગીતો બધે સંભળાતા. અને જો કોઈ ગુજરાતી શાળા પાસેથી તમે પસાર થતા હો તો ગુજરાતીમાં “તૈયાર થઈ જજો, ખભે ખભા મિલાવીને, ફંદ સહુ ફગાવીને, મા ભારતીને
કાજ આજ જંગમાં ખપી જજો. તલવાર કેરી ધાર તુ
તૈયાર રાખજે,...” એવું જોમ ચડી આવે તેવું ગીત પણ સંભળાતું.
કોઈક વખતે એમ પણ બનતું કે ઊર્મિલા બહેન નાનકાને તેડીને રસ્તે
ચાલતા હોય કે બસમાં ઉભા હોય ત્યારે હવાઈ હુમલાની સાયરન વાગે અને ભાગાભાગી થઈ જાય,
રસ્તાના કિનારે કાંઈ પણ રક્ષણ શોધીને જમીન
પર લાંબા થઈ આશ્રય લઈ સંતાઈ જવું પડે. મુબઈ તો દુશ્મનના નિશાના પર હોય જ
ને. અહીં તો બંદર, એરપોર્ટ, ભાભા એટોમીક રીસર્ચ સેન્ટર એમ ઘણા અગત્યના મથકો છે.
ભારતે ૩,૯૩૭ હવાઈ હુમલાઓ કર્યા. પાકિસ્તાને ૨,૩૬૪ કર્યા.
કાશ્મીર અને પંજાબની ધરતી પર તોપો અને ટેંકોની મોટી લડાઈઓ થઈ. ઘણી ખુવારી થઈ.
છેવટે ત્રેવીસમી સપ્ટેંબરે ભારત યુદ્ધ જીત્યું અને પાકિસ્તાનને તાશ્કંદમાં
મંત્રણાઓ માટે જવાની ફરજ પડી.
સંઘર્ષ વિરામ થયો. લડાઈ બંધ થઈ, તાશ્કંદમાં ભારત-પાકિસ્તાન
વચ્ચેની સંધિ પર સહી-સીક્કા થઈ ગયા પરંતુ તેના બીજે જ દિવસે, દસમી જાન્યુઆરી ૧૯૬૬એ
એકાએક જ લાલબહાદુર શાસ્ત્રીનું તાશ્કંદમાં રહસ્મય રીતે મૃત્યુ થયું. ગણાયો હતો હાર્ટ-એટેક
પણ તેમની પત્ની અને પુત્રે શરીર પર શંકાસ્પદ લીલા ચકામા જોયેલા જે છેક ૨૦૧૫માં
જ્યારે તેમની ૧૧૧મી જન્મજયંતી આવી ત્યારે તેમના પુત્રે તે બાબતે તપાસ કરવાની
નરેન્દ્ર મોદીની સરકારને વિનંતિ કરી હતી,
લાલબહાદુર શાસ્ત્રીના અચાનક મૃત્યુ પછી ગુલઝારીલાલ નંદા
કામચલાઉ વડાપ્રધાન બન્યા અને થોડા દિવસો પછી, ચોવીસમી જાન્યુઆરી ૧૯૬૬એ ઈંદીરા
ગાંધી વડાપ્રધાન તરીકે નિમાયા.
એ લડાઈ તો બંધ થઈ પરંતુ, આ તરફ ઊર્મિલા બહેનના સંઘર્ષનો હજુ
વિરામ નથી. જે બાળકના હાથ-પગ-ડોક અનિયંત્રિત હોય, અઢી વર્ષનો અબોધ હોય અને વજનદાર
હોય, વિચાર કરો કે તેને તેડવો, ઉચકવો કેટલો કઠણ હશે? આવા છોકરાને તેડીને ચાલવું તો
કઠણ જ તો તેને મુંબઈની હાલકડોલક થતી, વારંવાર બ્રેક મારતી, સ્પીડ વધઘટ કરતી હકડેઠઠ
ભરેલી બસમાં ચડવું, ઊભા રહેવું અને ઉતરવું કેટલું મુશ્કેલ હશે તે કલ્પનાતીત છે. વળી,
એક ખભે બેહોશ જેવું બાળક, બીજે ખભે તેના સરંજામથી ભરેલો બગલથેલો અને મુંબઈમાં
ગિરદી વાળી બસમાં પ્રવાસ. અને એમાં ય ચોમાસામાં ઘણી વખત વરસતા વરસાદમાં છત્રી પણ
માથે ઝાલી રાખવાની. હે ભગવાન.
બધા સમજે, કામમાં બનતી મદદ પણ કરે. પણ તે પર વધારે આધાર કેમ
રખાય? બધાને પોતપોતાના કામ પણ હોય ને. નાનકા ના પપ્પાએ પોતાની બા ને વઢવાણ ગામથી
પત્ર લખીને મદદ માટે બોલાવી લીધા, બીજું કાંઈ નહીં તો પણ રસોઈ તો બનાવી જ શકે ને? સાસુજી
પુરો પ્રયત્ન કરે પણ બે-ત્રણ વસ્તુઓ એવી કે અંતે ઘરમાં ક્લેશ જ ઊભો થાય, મુખ્ય તો
એ કે તેમને લાગ્યા કરતું કે દીકરો બિચારો તન તોડીને કમાવા જાય છે છતાં વહુ તેને
બરાબર સાચવતી નથી, બીજું એ કે મોટો પૌત્ર ઊમોદી તેમને બહુ વહાલો એટલે તેને લાડ
અથવા કહો કે ભૂખલાડ. લાડ કરે તે તો ઠીક પણ પૌત્રી તો તેમને દીઠીય ન ગમે. મોટાને બે
કપ દૂધ હોંશે હોંશે પાય પણ પૌત્રીને અડધો કપ દૂધ માંડ આપે. અને ત્રીજું, વચેટ
પૌત્ર જે ઊર્મિલા બહેનનો વહાલો લાડકો રાજા બેટો હતો, તે, કદાચ તે જ કારણસર, સાસુજી
માટે કદાચ વસમો હતો. વળી તેઓ મુંબઈની હાડમારીથી અજાણ તેથી વહુ કેટલા વીસે સો કરે
છે તેની કોઈ તેમને સમજાવે તોય કલ્પના ન કરી શકતા. “એમાં શું મોટી વાત, કાંઈ ચલતા
થોડું જવાનું છે? બસમાં જ તો જવાનું છે. એના કરતા તો બચુ (નાનકાના પપ્પા) ને કેટલી
બધી હાડમારી છે? થાક્યો પાક્યો ઘેર આવે, ત્યારે ખાવાનાય ઠેકાણા નહીં. બચારો નોકરી
કરી ને જે લાવે તે બધું આ વાપરી નાખે” ઘરમાં આમ રોજ નાની મોટી કચકચ થયા કરે. છેવટે
ઊર્મિલા બહેને નાનકાના પપ્પાને કહી જ દેવું પડ્યું કે “હૈયુ બાળવા કરતા હાથ બાળવા
સારા. બા ભલે વઢવાણ પાછા જાય. આપણે ગમ્મે તેમ કરી ને સાચવી લઈશું.” આમ એકંદરે દોઢ-બે
મહિના પછી સાસુજી ગામ પાછા ગયાં.
ઊર્મિલા બહેન પાછા યથાવત્ કામે લાગી ગયા. નાનકો પોતાના
પ્લાસ્ટરમાં પડ્યો હોય. ઘરે જે કોઈ આવે તે નાનકાની દયા ખાય. વાંસ ઊભો કાપીને
બનાવેલી પાણીની ખુલ્લી નીક કેવી દેખાય તેવા દેખાતા પ્લાસ્ટરો નાનકા માટે માપ લઈને
બનાવેલા હોય અને જેમ બાળક વધે તે પ્રમાણે સમયે સમયે નવા બનાવડાવતા રહેવા પડે.
જ્યારે નાનકાની ફીઝીયો થતી તે કોઈ પણ જુએ તો ત્રાસી જાય. સવારના ઘરકામની
દોડાદોડીની વચ્ચે ફીઝીયોનો સમય થાય તે વખતે ઓરડાની વચ્ચોવચ એક તરફ મોટા તપેલામાંથી
વરાળ નીકળતું ગરમ પાણી, એટલું ગરમ કે આપણોય હાથ દાઝી જાય. બીજી તરફ રૂમાલોનો ઢગલો.
અને આ બે ની વચ્ચે ઊર્મિલા બહેન અને પ્લાસ્ટીકની ગોદડીમાં ગોઠવેલો નાનકો.
નાનકો આમતો શાંત પડ્યો હોય પણ જેવો તેને આવનારા ‘ખતરા’નો
અણસાર આવે કે તરત તેનું રડવાનું શરૂ થઈ જાય. માલીશ અને કસરત તો વાતો અને રમત કરતા
કરતા સહન કરી લે પણ જ્યારે ગરમ પાણીના પોતા થી શેક શરૂ થાય ત્યારે બિચારો
ચિચિયારીઓ પાડે. આ મા છે કે કોઈ જલ્લાદ છે? તેવું લાગે. કોઈથી જોવાય નહીં, અરે
નાનકાના પપ્પા સુધ્ધા ઊર્મિલા બહેનને કહે કે હવે બસ કર. પણ કાળજું કઠણ રાખીને
તેમણે ડોક્ટરે બતાવેલ ઉપચાર કરવામાં પાછી પાની ન કરી.
पुनरपि रजनी, पुनरपि दिवसः દિવસો વીતતા ગયા.
વાર આવે, હોળી, દિવાળી તહેવારો આવે, ઘર પાસે એક પીળાં ફુલનું મોટું વૃક્ષ, તે
ફુલની ઋતુ આવે અને જાય. બદામડીના પાંદડા લીલા માંથી લાલ થઈ પીળા પડીને ખરી જાય અને
પાછી કૂંપળો ફુટે. નજીકની ઊંચી ખજૂરી પર કાગડાના માળામાં કાગડાના બચ્ચાં મોટા થઈ
ઊડતા થઈ જાય, નિશાળમાં સંતાનોની પરીક્ષાઓ આવે અને જાય, તેઓના પરિણામ આવે, મોટો જરા
તોફાની એટલે એના દોસ્તારોના મા-બાપ જે ફરિયાદો લઈને આવે તેનો નીકાલ કરતા ને એવું
બધું થતાં થતાં पुनरपि पक्षः पुनरपि मासः पुनरप्ययनं पुनरपि वर्षं.... સમય સરતો ગયો.
બાળકો તો પાસ થઈને નવા વર્ગોમાં જાય પણ ઊર્મિલા બહેનનો વર્ગ તો સતત એનો એ જ. વચ્ચે
વચ્ચે નાનકાના હાથ-પગમાં કોઈક સમયે ભલે રત્તીભાર જેટલો હોય પણ થોડો સુધારો દેખાય
તો જાણે ભગવાનના દર્શન થયા હોય તેવો આનંદ થાય. એમ સમય જતો ગયો. મુસીબત વચ્ચે કોઈ
એકાદ-બે સારા શબ્દો પણ જો કહે તો પણ કેટલું સારૂં લાગે? સગા-સબંધી, મિત્રો, સહુએ
બનતો બહુ જ સહકાર આપ્યો. પડોસીઓ કોઈ વાર જમવાનું લાવી આપે. બહારનું કામ હોયતે કરી
આપે. મોટો દીકરો, ઊમોદી હવે શાક લાવી આપવું, કરિયાણાના સામાનની ડીલીવરી ચકાસવાનું,
લાઈટનું બિલ ભરવાનું, બેંકમાં ચેક જમા કરવાનું, ઘોબીના કપડાનો હિસાબ રાખવાનો વગેરે
કામ કરતો થઈ ગયો હતો. તેની શાળા પાસે ભાણજી લવજીની ઘીની દુકાન હતી. મોટાને હજી યાદ
છે તે સોરઠી ચોખ્ખુ ઘી રૂપિયા ૧૧નું કીલો હતું અને દર મહિને બે કીલોનું ટીન ઉચકીને
તે ઘેર લાવતો. અરે પપ્પાના મદદનિશ તરીકે થેપલા-ચોપડા બનાવતા પણ શિખી ગયો હતો. પરિવારના
સહુને કામ કરતા જોઈ ઘણી વાર ઊર્મિલા બહેનને સાસુની પણ યાદ આવે. “ભલે થોડી કચકચ ઘરમાં
થતી પણ બીચારા ખીચડી, શાક-ભાખરી તો બનાવી રાખતા અને કાંઈ નહીં તો નાનકાના પપ્પાનું
તો બધું કામ સાચવી લેતા ને”
રસ્તામાં કોઈ અપંગ માણસ દેખાય ત્યારે મનમાં એ જ વિચાર ફરી
ફરીને આવ્યા કરે કે મારો દીકરો આવો થશે? શું કરશે? કેમ કરશે. લાખ પ્રયત્ને પણ તેવા
વિચારો મગજમાંથી હટે નહીં. પણ, મક્કમ ઊર્મિલા બહેને પ્રયત્ન કરવામાં કોઈ કચાશ રાખી
નહીં. સહુ પોતપોતાનું ભાગ્ય તો લઈને જ આવ્યા હોય છે. નાનાના ભાગ્યમાં કદાચ અપંગ
રહેવાનું લખ્યું હશે. પરંતુ કહેવાય છે કે પ્રચંડ પુરુષાર્થ કરો તો ભાગ્ય ને બદલાવી
પણ શકાય છે. સ્વાધ્યાય વાળા પાંડુરંગ શાસ્ત્રી દાદાના એક પ્રવચનમાં એવું કહેવાયું
છે કે તુલસી-રામાયણ લખનાર સંત તુલસીદાસની બુધ્ધિ તો બહુ હતી પણ તેમનું ભાગ્ય સાવ
નબળું હતું. તેમણે પ્રારબ્ધને પડકાર ફેંકેલો અને પ્રયત્ન પૂર્વક ભગીરથ પ્રયાસ આદરી
ને પોતાના ભાગ્યમાં ન હોવા છતા તેમણે જીવનસાથી તરીકે સ્વરૂપવાન પત્ની અને ઘણું
ઐશ્વર્ય કમાવેલું. તેમની પત્ની સ્વરૂપવાન હોવાની સાથે સાથે બહુ જ બુધ્ધિમાન પણ
હતી. તુલસીદાસ તેના પ્રેમમાં પાગલ બનેલા. બેઉ વચ્ચે ઘણી જ્ઞાન ચર્ચાઓ થતી. એવી એક
અતી બુધ્ધમાન ચર્ચાના ફળ સ્વરૂપે જ આપણને તુલસી-રામાયણનો વારસો મળ્યો છે એવું દાદા
કહી રહ્યા હતા. તુલસીદાસ ના પ્રચંડ પુરુષાર્થની વાત ઊર્મિલા બહેનને ખબર હશે કે
નહીં પરંતુ ભલભલાના છક્કા છોડાવી દે એવી જે તકલીફો તેમણે વેઠી તે રંગ લાવી. શું સાચે જ “અંધેરા
છટેગા, સુરજ નીકલેગા” તેવું બનશે?
એક દોઢ વર્ષ પછી નાનકાના અંગોમાં ધીરે ધીરે ચૈતન્ય આવતું
ગયું. ઊર્મિલા બહેનના હર્ષનો પાર ન રહ્યો. તેમની મહેનત લેખે લાગી. અશક્ય શક્ય
બન્યું. તેને બાળમંદિરમાં મૂકવાનો સમય આવ્યો ત્યાં સુધીમાં તો તેના નખમાં ય રોગ ન
રહ્યો. મધર ઈંડીયા ફિલ્મને તે સમયે લગભગ દસેક વર્ષ થયા હશે. તેનું ગીત હજુ પણ ઘણાને
હોઠે હતું, दुःख भरे दिन बीते रे भैया, अब सुख आयो रे...નાનકો સાવ સારો
થઈ ગયો. ડોક્ટરો પણ ચકિત થયા. સહુએ પ્રભુનો પાડ માન્યો. અડોસી પડોસી સગા સંબંધી
સહુના મો પર ઊર્મિલા બહેનની પ્રશંસાની વાત હતી. હોસ્પિટલના ડોક્ટરોએ, ડોક્ટર
મર્ચન્ટે અને બીજા ઘણાઓએ ઊર્મિલા બહેનને પોતાની રીસર્ચ માટે બોલાવ્યા. આ અસાધ્ય
રોગ કેવી રીતે મટાડ્યો, શું ટ્રીટમેન્ટ આપી, કયો ખોરાક આપતા વગેરે ની ઝીણવટ થી
નોંધો ટપકાવી. પોતાની પૈતૃક વૈદકીય સુઝબુઝ અને અથાગ સ્વાશ્રય ના પરિણામે મળેલ
ઊર્મિલા બહેનની સફળતા ડોક્ટરોએ બીરદાવી. તેઓ જ્યારે પોતાની નોંધપોથીમાં ઊર્મિલા
બહેનનો ‘કેસ-સ્ટડી’ લખી રહ્યા હતા ત્યારે તેમણે ગર્વથી પોતાના દાદાને પણ યાદ કર્યા
હશે જેમણે શોધેલી પશુ-દવાઓની નોંધ મોટા મોટા અંગ્રેજ ડોક્ટરો કરતા. હજી આજ લગી નાગપુરના
મહારાજ બાગની વેટરનીટી હોસ્પિટલમાં તેમના દાદાનો ફોટો દીવાલને શોભાવી રહેલો છે.
ઊર્મિલા બહેને પોલિયોને હરાવ્યો. પણ ઊર્મિલા બહેનના મનમાં એ
વિચાર જરૂર આવે કે “દો બુંદ પોલિયો ડ્રોપ્સ પિલાઓ, બચ્ચોંકી ઝિંદગી ખુશહાલ બનાઓ” એ
રસી જે આજે તો સાવ સહજ છે, તે વખતે હોત તો? પણ ખેર, પોલિયો નું વાવાઝોડું મોટું
તોફાન કરીને નીકળી ગયું. જીવનમાં આવતી દરેક કઠીણાઈઓ ભલે ઉઝરડા પાડતી જાય પણ તે
પ્રત્યેક ઉઝરડો વધુ શક્તિ આપતો જતો હોય છે. અંગ્રેજી ભાષામાં તેથી જ એક સરસ ઊક્તિ
પણ છે, કહેવાય છે, “What doesn’t kill you, makes
you stronger”. સુખ આવ્યું તો ખરૂં, પણ સુખદુખની ઘટમાળમાં તે કેટલું
ટક્યું હશે? શું પહેલાની માફક
બેડમીન્ટન, પીકનીક અને હરવાનું ફરવાનું હવે શરૂ થઈ ગયું હશે? કે પછી જીવનના થપેડાઓ
ખાઈ ખાઈને તે બધું ભૂલાઈ જવાયું હશે? શું ખરેખર ‘અચ્છે દિન’ આવી ગયા હશે? આ વાત
ભલે અહીં પુરી થાય છે પણ જીવનમાંહેનો રોમાંચ અસ્ખલીત વહેતો રહે છે.
---- ----
----
પોસ્ટસ્ક્રીપ્ટ (લેખકે પાછળથી ઉમેરેલું):
૧- પોલિયોના આ ઘટનાચક્રને પચાસ વરસ થયા. નાનકો આજે નાનકો
નથી રહ્યો. તે એમ. ફાર્મ સુધી ભણ્યો, દવાઓની મોટી કંપનીઓમાં કામ કર્યું અને બીજાને
મદદ કરવાના ગુણ જે મા-બાપની પાસેથી શીખેલ તેના પ્રતાપે અત્યારે કેનેડામાં સફળતા
પૂર્વક પોતાની બે ફાર્મસીઓ ચલાવે છે. અશક્ત વૃધ્ધ હોય જે ફાર્મસી સુધી ન આવી શકે
તો હસતા મોઢે પોતે જાતે દવાઓ ઘેર પંહોચતી કરે. તેની મોટી દીકરી ડોક્ટરનું ભણી રહી
છે. નાની દીકરીઓ પણ ડોક્ટરીને લાગતી-વળગતી કોલેજોમાં ભણે છે, વારે તહેવારે પોતાની
મોટીબા સાથે વાતો કરી લે છે. પૌત્રીઓમાં પણ સેવાભાવ ના ગુણો ઉતર્યા છે તે જાણી ને
વયોવૃધ્ધ ઊર્મિલા બહેનને ને શાતા વળે છે. તેમના પરદાદા પણ રાજી હશે. ઊર્મિલા બહેન
આજે પણ સહુને આગ્રહ પુર્વક સ્વાસ્થ્ય બાબતે જાગૃત રહેવાની સલાહ આપવાનું ચૂકતા નથી.
૨- ડોક્ટર ગાલાના પુત્ર પ્રકાશને ચશ્માની જરૂર છે તેવું સૌ
પ્રથમ ઊર્મિલા બહેનના ધ્યાનમાં આવ્યું હતું, તે પ્રકાશ હવે ભણીગણીને પોતે પણ ડોક્ટર
થઈ ગયો છે. તેના પિતાનું તો અવસાન થઈ ગયું છે પરંતુ તેમના જ દવાખાનામાં ડો. પ્રકાશ
અત્યારે પ્રેક્ટિસ કરે છે.
3- ડીપ્થેરિયા અને તેના જેવા અત્યંત ચેપી રોગો માટેની
હોસ્પિટલ: Kasturba Hospital For Infectious Diseases, Saat
Rasta, Sane Guruji Marg, Mumbai.
૪- પોલિયોની હોસ્પિટલ India Institute of Physical
Medicine and Rehabilitation, Haji Ali, K. Khadye Marg, Mahalaxmi, Mumbai.
૫- મરાઠી શૌર્યગીતની પંક્તિઓ: “माणुसकीच्या शत्रू संगे
युद्ध आमचे शिरू, जिंकू किंवा मरू, जिंकू किंवा मरू. देश आमचा शिवरायांचा, झाँसी
वाल्या रण राणीचा....शिर तळ हाती धरू...
૬- હિંદી શૌર્યગીતની પંક્તિઓ: “ऐ नौजवान, ऐ नौजवान, वीरताकी है कसौटी
आज, तुम शेर हो दिलेर हो, रखो वचन की याद, है हाथ में तुम्हारे माता भारती की लाज...।
૭- ગુજરાતી શૌર્યગીતની પંક્તિઓ: “તૈયાર થઈ જજો,
તૈયાર થઈ જજો, ખભે ખભા મિલાવીને, ફંદ સહુ ફગાવીને, મા ભારતીને
કાજ આજ જંગમાં ખપી જજો. તલવાર કેરી ધાર તુ
તૈયાર રાખજે,... સદાય લહેરાય ગગન ભારતીય ધ્વજો...
---- ----
----